અધ્યાય-૯ મૂર્તિનું મહત્વ

પાના નંબર – ૬૯

 • ભાનુ બોલ્યાઃ
 • રામકૃષ્ણ, તમો બ્રહ્મનારાયણનું સ્વરૂપ જ છો. દેવા, મારી એટલી બધી ભક્તિ નથી કે કોઇ પણ પ્રકારનું આધ્યાત્મિક જ્ઞાન નથી છતાં તમો કેટલા વ્હાલથી બાળકને સમજાવતાં હોય તે રીતે મને સમજાવો છો. તમારી વાતથી જ્ઞાનની સીમાઓ વિસ્તરે છે. મને અંદરથી એક અવનવો અનુભવ થાય છે. આ અનુભવ હું વર્ણવી શકતો નથી.(૧)
 • છતાં દેવા એમ થયા કરે છે કે “નારાયણ-શક્તિ” પ્રકૃતિની પોતાની વહેવાની શક્તિને પ્રકૃતિની ઇચ્છા મુજબ વાળવા માટેની પ્રકૃતિની અંદર રહેલી વિશિષ્ટ શક્તિ છે. તો માએ તેના પુરુષરૂપ અને સ્ત્રીરૂપ કેમ બતાવ્યા?(૨)
 • રામકૃષ્ણ બોલ્યાઃ
 • જેમ પ્રકૃતિને આખે આખી સમજવા ખાલી વાતો કરીએ તો પ્રથમ તેની સમજ ના આવે. આથી સમગ્ર અનંત, અજન્મા, એક, સર્વેમાં રહેલી આ પ્રકૃતિને “મા” નું સ્વરૂપ લઇ આ આખા ભાવને સમજી શકાય છે. આ પરમ “બ્રહ્મ” છે. (૩)
 • પાના નંબર – ૭0
 • ઘણાં પરમ “બ્રહ્મ તત્વ” આ બધાથી પર એવું તત્વ છે તેમ જણાવે છે.(૪)
 • આ જાતનો “ભાવ” ઉચ્ચ આધ્યાત્મિક સપાટી પર પહોંચેલા મનુષ્યને થાય છે.(૫)
 • આ જાતનો “ભાવ” પણ “મા” નો જ ભાવ છે.(૬)
 • આ “ભાવ” તે “નારાયણ-ભાવ” છે. (૭)
 • પ્રકૃતિમાં રહેલો અને પ્રકૃતિએ પોતાની વહેવાની રીતને કાબુમાં રાખવા પોતાનામાંથી પ્રગટાવેલો આ વિશિષ્ટ ભાવ છે.(૮)
 • આ ભાવને તમો “બ્રહ્મ” ગણો કે પ્રકૃતિ “મા” ને “બ્રહ્મ” ગણો તેમાં કશો ફેર પડતો નથી. ઉચ્ચ સપાટી ઉપર પહોંચ્યા પછી બધુ “એકાકાર” થઇ જાય છે.(૯)
 • ઉચ્ચ સપાટી પર પહોંચ્યા પછી જાણે તમામે તમામ વસ્તુમાં તમે છો અને બધું તમારામાં છે આવો કુદરતી ભાવ આવે છે. (૧0)
 • આ અવસ્થા જવલ્લે જ કોઇને પ્રાપ્ત થાય છે. કારણ આ અવસ્થા પછી પોતે જ “બ્રહ્મમય” થઇ જાય છે અને ઓગળી જાય છે. અને આ છેલ્લી અવસ્થામાં જે “ભાવ” દેખાય છે. તેને બુદ્ધિ વર્ણવી શકતી નથી. આ ભાવ કોઇ સમજાવી શકતો નથી.(૧૧)
 • મને આ ભાવ “મા” સ્વરૂપ લાગ્યો. “મા” મય લાગ્યો અને “બ્રહ્મતત્વ” એટલે “મા” જ છે. તે સમજાયું. (૧૨)
 • પાના નંબર – ૭૧
 • “નારાયણ-શક્તિ” આ બ્રહ્મતત્વની જ શક્તિ છે. તે સમજાયું. (૧૩)
 • “નારાયણ-શક્તિ ” દેખી શકાતી નથી પણ અનુભવી શકાય છે.(૧૪)
 • “ઇલેક્ટ્રીક વાયર” માં વહેતો ઇલેક્ટ્રીક પ્રવાહ જેમ જોઇ શકાતો નથી પણ તેનાં તાંબાના વાયરને અડો ને ઝાટકો લાગે છે અને અનુભવ થાય છે. તેમ “મા” તરફ આગળ વધતા “મા” પોતાની આ વિશિષ્ટ શક્તિનો અનુભવ કરાવે છે.(૧૫)
 • “બ્રહ્મત્વ” ને “મા” સ્વરૂપે ભજતા “બ્રહ્મત્વ” “મા” સ્વરૂપે “મા” ના ભાવમાં દેખાય છે. આ મનુષ્યની મર્યાદાવાળી બુદ્ધિને “બ્રહ્મત્વ” તરફ જવાની રીત છે. આથી “માતૃત્વ” નો આગળ કહ્યો તેવો રસ ઝરવા માંડે છે. (૧૬)
 • તમારી સાર, સંભાળ આ માતૃત્વ રસ લેવા માંડે છે.(૧૭)
 • તમો આવા અનુભવમાંથી પસાર થાવ અને “મા” તરફની અંદરની ભક્તિ વધારો એટલે “મા” પોતે જ તેની આ “વિશિષ્ટ-શક્તિ” નાં દર્શન કરાવે છે. (૧૮)
 • આ શક્તિને સમજવા ગમે તેવું માનસ પણ શક્તિમાન નથી. તેથી “મા” એ આ શક્તિ બતાવવા તને પુરુષરૂપ બ્રહ્મનારાયણરૂપ અને સ્ત્રીરૂપ બ્રહ્મલક્ષ્મીરૂપ બતાવ્યું. (૧૯)
 • આ “સર્વસ્વ” છે તેવું કહ્યું. આ ભવમાં માએ તને કહ્યું તે પણ તું સંપૂર્ણ સમજી શક્યો નહિ. કારણ, આ સમજવું તે માનવની મહત્તમ સમજની મર્યાદા બહાર છે. (૨0)
 • પાના નંબર – ૭૨
 • ખોટા વાદ-વિવાદમાં ઉતર્યા વગર કોણ? શું? શા માટે ? આ પ્રશ્નોની હારમાળામાં ઉતર્યા વગર માએ દર્શાવેલ આ મહાન પુરુષરૂપ બ્રહ્મનારાયણરૂપ અને સ્ત્રીરૂપ બ્રહ્મલક્ષ્મીરૂપની તું પૂજા કર. (૨૧)
 • આ રૂપો “મા” ની વિશિષ્ટશક્તિ “નારાયણ-શક્તિ” ને સમજવા માટેનાં વિશિષ્ટ રૂપો છે.(૨૨)
 • આ રૂપોમય થઇ જવાથી આ વિશિષ્ટ ભાવ સમજી શકાય છે. અનુભવી શકાય છે, વર્ણવી શકાતો નથી.(૨૩)
 • આમ તને “બ્રહ્મત્વ” તરફ લઇ જવા અને “મા-મય” કરવા, “મા” દ્વારા તારા કલ્યાણ માટે તને સમજાવવા અને આ ભાવ તારી મર્યાદાવાળી બુદ્ધિમાં લાવવાના ભાગરૂપે માએ બતાવ્યા છે. (૨૪)
 • આવા આધ્યાત્મિક “ભાવો” થી જ ઇશ્વર, બ્રહ્મત્વ સમજી શકાય છે. (૨૫)
 • ઉચ્ચ માનસ ધરાવતા અને ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા આવ્યા બાદ આવી રીતની પણ કંઇ જરૂરત રહેતી નથી. (૨૬)
 • નિરંજન, નિરાકાર, એક અને સર્વમાં રહેલું આ તત્વ સમજાઇ જાય પછી કોઇ વિવાદમાં ઉતરવાની જરૂર નથી. (૨૭)
 • આ ભાવાત્મક રૂપો માનસ માટે અંદર ઉતારવા માટે આધાર સ્તંભ છે.(૨૮)
 • ઘણીવાર ઘણાં “એક” “દ્વિ” અથવા “અનેક” ની ચર્ચા કરે છે. આવી ચર્ચામાં “બ્રહ્મત્વ” તરફ જવાનો માર્ગ રૂંધાય છે. (૨૯)
 • પાના નંબર – ૭૩
 • જેમ પર્વત ઉપર જઇએ ત્યારે ત્યાંની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે. અને તમારી નજર વિશાળ બને છે. તેમ તમો આગળ વધો તેમ તમને બધું આપોઆપ સમજાઇ જાય છે.(૩0)
 • સમાજનાં મોટાભાગનાં મનુષ્યો પ્રકૃતિમાંથી પેદા થયેલી માયામાં પોતાના ભાવો દ્વારા અટવાયા કરે છે. (૩૧)
 • આ ભાવો શરીરને ગમે તેમ નચાવે છે. આ ભાવો મનને તાણીને ખેંચી જાય છે. મન બુદ્ધિને તાણી જાય છે. અને આ બધા ભેગા થઇ મનુષ્ય પાસે અનેક ન કરવાના કામો કરાવે છે. આવે વખતે બુદ્ધિ માટે સમજવા આદ્યાત્મિક ભાવ ઉભો કરવો અનિવાર્ય થઇ પડે છે. આ વખતે આવા મુર્તિરૂપ દ્રશ્ય જ બુદ્ધિમાં આધ્યાત્મિક ભાવ ઉત્પન્ન કરે છે. અને બુદ્ધિ ઇશ્વર તરફના રસ્તે વળે છે.(૩૨)
 • તને “બ્રહ્મ-નારાયણ” અને “બ્રહ્મ-લક્ષ્મી” ના રૂપોથી અને “મા” ના રૂપોથી એટલે મૂર્તિ સ્વરૂપથી કેટલાં સરસ ઇશ્વરીય ભાવો ઉત્પન્ન થયા. આથી જ ઇશ્વરીય સ્વરૂપનું મુર્તિ દ્વારા પ્રતિબિંબ પાડીને સામાન્ય મનુષ્યને ઇશ્વરની પ્રતિતી કરાવવી હિતાવહ છે.(૩૩)
 • એકવાર તમારા “આત્મા” ને બુદ્ધિ દ્વારા સમજાય કે તરત જ બધા પડળો ઉખડવા માંડે છે અને “આત્મા” અવિનાશી, અનંત, દિવ્ય અને સર્વના કર્તાના દ્વારે આવી જાય છે. (૩૪)
 • પછીનું તમામે તમામ આપોઆપ સમજાઇ જાય છે અને તેને વર્ણવી શકાતું નથી. એ અનુભવ બીજાને આપી શકાતો નથી. (૩૫)
 • પાના નંબર – ૭૪
 • હજારો રસ્તે થઇને જુદા જુદા મનુષ્યો આ બિંદુ પર આવે તે મહત્વનું છે.(૩૬)
 • આમ રસ્તો ગમે તે હોય તે મહત્વનું નથી. આ બિંદુ ઉપર પહોંચવું અગત્યનું છે.(૩૭)
 • તારી પોતાની મર્યાદા સમજી “મા” તને આ રસ્તે લાવ્યા. આ સરળ અને સુંદર રસ્તો તૈયાર થયો એટલે આ રસ્તે લાવ્યા.(૩૮)
 • આ સરળ અને સુંદર રસ્તો તૈયાર થયો એટલે તું અનેક મનુષ્યોને લાવી શકીશ અને તે રસ્તે અનેક મનુષ્યોને તું ઇશ્વરની પ્રતિતી કરાવી શકીશ. (૩૯)
 • આનાથી એવું માની ના લઇશ કે બીજા રસ્તાં ખોટા છે. બીજા રસ્તાઓ ઉપર ધૃણા, તિરસ્કાર ના કરીશ. બીજાં તેઓની રીતે સાચા હોઇ. તારે વાદ-વિવાદમાં પડવાનું નથી. તને “મા” દ્વારા બતાવેલ રસ્તે મનુષ્યોને ઇશ્વર તરફ વાળવાનું કામ સોંપવામાં આવ્યું છે.(૪0)
 • આ શરીરને ટી.વી. સેટ સાથે સરખાવીને જો. તેમાં તારે “ઇશ્વરીય” ચેનલ ગોઠવી તેનાં કિરણો મેળવવાના છે. અને બીજાને પણ આવી ચેનલ ગોઠવી આપી આ ઇશ્વરીય ચેનલ બતાવવાની છે. (૪૧)
 • આ મૂર્તિઓ એક માધ્યમ છે. ખરી રીતે “ઇશ્વર” એક ભાવાત્મકરૂપ છે. આ ભાવ મૂર્તિ દ્વારા ખૂબ જ સરળ રીતે બુદ્ધિમાં ઉતારી શકાય છે.(૪૨)
 • પાના નંબર – ૭૫
 • મૂર્તિ દ્વારા “ઇશ્વરીય-ભાવ” તરફ ગતિ કરતાં મનુષ્યો અને મૂર્તિ વગર “ઇશ્વરીય-ભાવ” તરફ ગતિ કરતાં મનુષ્યોમાં સારો કોણ અને ખરાબ કોણ તે ચર્ચામાં વિદ્વાન પુરુષો પડતા નથી.(૪૩)
 • “ઇશ્વરીય ભાવ” તરફની ગતિ જ મનુષ્ય માટે મહત્વની છે. (૪૪)
 • કોઇ મનુષ્ય કયા સ્વરૂપનો છે, સમાજનાં કયા વર્ગમાં છે તે મહત્વનું નથી. તેની અંદરની ગતિ કઇ તરફની છે તે મહત્વનું છે. (૪૫)
 • ખૂબ જ બહારથી રૂપાળો દેખાતો મનુષ્ય અંદરથી ભાવો દ્વારા ખેંચાઇને “માયા” ના વમળમાં અટવાતો હોય જ્યારે ખૂબ જ બેડોળ માણસ અંદરથી ઇશ્વરનાં પ્રકાશથી ઉજળો હોય. તે અષ્ટવક્રની વાત વાંચી જ હશે. ભારતીય શાસ્ત્રોમાં આવા અનેક ઉદાહરણો છે.(૪૬)
 • વળી મંદિરમાં પૂજા કરતો સ્વચ્છ, ચોખ્ખો માણસ અને સમાજમાં સારો દેખાતો માણસ અંદરથી ભાવોનો ગુલામ હોય જ્યારે “ગણિકા” નો ધંધો કરતી, બહારના સમાજ માટે ધૃણારૂપ સ્ત્રી મનુષ્ય અંદરથી ઇશ્વરના ઉજાસથી પ્રકાશતી હોય આવા કેટલાય ઉદાહરણો આપણા સમાજમાં થઇ ગયા છે. (૪૭)
 • અંદરનો ઇશ્વરીય પ્રકાશ અને ઇશ્વર તરફનો રસ્તો ખૂબ જ મહત્વનો છે. ઇશ્વરે પોતાનું રૂપ બતાવવા કાદવમાંથી કમળ બનાવેલ છે.(૪૮)
 • ગમે તે વસ્તુમાં કેવળ સ્વરૂપ મૂળ ઇશ્વરીય રૂપને જોવાની દ્રષ્ટિ કેળવાય છે. તે ખુબ જ અગત્યનું છે. (૪૯)
 • પાના નંબર – ૭૬
 • આ દ્રષ્ટિ કેળવવા પણ આ મૂર્તિરૂપ દ્વારા ઇશ્વરીય ભાવ તરફની ગતિ કરવી ખુબ જ ઉત્તમ છે.(૫0)
 • આમ તને મૂર્તિ સ્વરૂપ બ્રહ્મનારાયણ અને બ્રહ્મલક્ષ્મી સ્વરૂપનું મહત્વ સમજાવ્યું.(૫૧)
 • આ સ્વરૂપમાં બુદ્ધિ સ્થિર થાય તે માટે ભક્તિ, ધ્યાન, પૂજા વધારવી પડે એટલે આત્માનાં ઉપર લાગેલા પડળો એક પછી એક ઉખડવા માંડશે.(૫૨)
 • જ્યારે સંપૂર્ણ પડળો ઉખડી જશે ત્યારે ઇશ્વરીય દિવ્ય દર્શન થશે.(૫૩)
 • આ દર્શન થયા પછી જેમ સૂર્યમાં પહોંચ્યા બાદ તમારૂં મૂળરૂપ રહી શકતું નથી, પણ ઓગળી જાય છે. તેમ તમો પણ “મા” માં ઓગળી જાવ છો.(૫૪)
 • “ઓગળ્યા” પહેલાની સ્થિતિમાં બધું સમજવાની જરૂર પડે છે. “ઓગળ્યા” પછી તમો પોતે જ એકાકાર થઇ જાવ છો. (૫૫)
 • “વિરલ” માણસોમાં કોઇ કોઇ મનુષ્ય “માનવદેહ” હોવા છતાં “અંદર” થી આમાં ઓગળેલ હોય છે. આવા મનુષ્યો સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રકાશ રેલાવી શકે છે.(૫૬)
 • ગમે તેવા પ્રાણીની આંખોમાં આંખો પરોવી તેનાં આત્મામાં પણ તે રહેલો છે તેવું પ્રતીત કરાવી તેની પાસેથી પ્રેમ મેળવી શકે છે.(૫૭)
 • સામાન્ય જન સમાજને તે આશ્ચર્ય લાગે છે.પરંતુ, આ પ્રકૃતિના નિયમ મુજબ જ છે. જ્ઞાનીને તે ખબર પડે છે. (૫૮)
 • પાના નંબર – ૭૭
 • “બ્રહ્મત્વ” જ્યાં પહોંચ્યા પછી “સ્વતંત્ર” રૂપ રહી શકતું નથી.ત્યાં પહોંચવા માટે મૂર્તિનું આ રહસ્ય તેને સમજાવ્યું.(૫૯)
 • “મા” અને તેમાંથી નીકળતી તમામ શક્તિઓ અનંત, સર્વવ્યાપી છે. આ શક્તિઓનો અહેસાસ કરવો અને તે દ્વારા “મા” પાસે જવું તે મનુષ્યનું કર્તવ્ય છે. (૬0)
 • “નારાયણ શક્તિ” માની મૂળભૂત શક્તિ છે. જે દ્વારા “મા” વિશ્વ ચલાવી રહી છે.(૬૧)
 • આ રસ્તે આગળ વધેલા મનુષ્યને “નારાયણ-શક્તિ” અને “મા” માં મૂળકામ “નારાયણ-શક્તિ” દ્વારા થતું જોઇને “નારાયણ” ને “બ્રહ્મત્વ” માની બેસે છે.(૬૨)
 • આ સ્થિતિ “ઓગળ્યા” પહેલાની છે. ઓગળ્યા પછી કશું જ રહેતુ નથી.(૬૩)
 • “ઓગળ્યા” પહેલાની સ્થિતિમાં અને “ઓગળ્યા” પછીની સ્થિતિનું જ્ઞાનીઓ દવારા વિશ્લેષણ થાય ત્યારે સમજાય છે કે “નારાયણ-શક્તિ” અને “મા” માં કંઇ ભિન્નતા છે જ નહિ. (૬૪)
 • ઘણાં મનુષ્ય શરીર ધરી એકતામાં ઓગળી જાય છે. ત્યારે બીજાનાં દુઃખે દુખી થાય છે. બીજાને માર પડતો જોઇ પોતાને માર પડે છે તેવો અનુભવ કરે છે. આ મનુષ્યની અતિ ઉચ્ચ અવસ્થા છે. (૬૫)
 • આ અવસ્થા પછી સમજાય છે કે ફક્ત “મા” છે. બીજું કશું નથી. અને “મા” માં જ સર્વસ્વ છે.(૬૬)
 • પાના નંબર – ૭૮
 • “મા” નું સ્વરૂપ પણ આ સમજવા માટેનું એક રૂપ છે. મૂર્તિ છે. ભારતનાં મહાન ઋષિઓ દ્વારા આ લેવાયેલો આધારસ્તંભ છે. જેનાથી સામાન્ય માણસ “બ્રહ્મત્વ” અથવા “ઇશ્વર” નો ભાવ સહેલાઇથી સમજી શકે. (૬૭)
 • જેમ “બાળક” ને હાથીને સમજાવવા “હાથી” નું માટીનું રમકડું આપી બતાવીને કહીએ કે જો આ “હાથી” અને બાળક “હાથી” ને સમજે એ રીતે મૂર્તિથી “ઇશ્વર” ની સમજણ સામાન્ય મનુષ્યને પડે છે.(૬૮)
 • આથી મૂર્તિનું મહાત્મય મોટું છે. સમગ્ર જનસમાજના મનુષ્યોની માનસિક તાકાત “ઇશ્વર” ને સમજવા શક્તિમાન નથી હોતી. આવા વખતે “મુર્તિ” મોટો આધાર પૂરો પાડે છે. (૬૯)
 • “ઇશ્વર” અનંત, અવિનાશી અને સર્વવ્યાપક છે. તેને કોઇ રૂપ નથી. બધા રૂપો તેના છે. આ બધુ મૂળભૂત રીતે સમજવું કઠીન છે. આનું વર્ણન કરી સમજાવવાનું ખુબ જ કઠીન છે. આથી સમગ્ર પૃથ્વીને સમજવા જેમ નાના નક્શાનો ઉપયોગ થાય છે અને સમજાવાય છે તેમ “મૂર્તિ દ્વારા ઇશ્વર” સમજાવાય છે અને સમજાય છે.(૭0)
 • વળી ગતિની દિશા નક્કી કરવામાં પણ આ મૂર્તિ સહાયભૂત થાય છે. આથી તમો “ઇશ્વર” તરફ છો તેની પ્રતિતી થાય છે.(૭૧)
 • તેં પૂછ્યું એટલે તેને આ રહસ્ય સમજાવ્યું. બસ માએ તને ક્હ્યું તેમ “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” માં તુ મસ્ત બન. (૭૨)
 • પછીનું બધું તને એની રીતે આપોઆપ સમજાઇ જશે. (૭૩)
 • “મા” તારૂં કલ્યાણ કરો.(૭૪)
 • પાના નંબર – ૭૯
 • ભાનું બોલ્યાઃ
 • દેવા, તમો જે મને “મા” રૂપ દેખાવ છો. જે તમે જ “મા” હોય તેવું મને પ્રતિત થાય છે. શા માટે આ બધું બની રહ્યું છે તેની ખબર પડતી નથી. બસ, બીજું કશું ગમતું નથી. બીજા કશામાં રસ નથી. તમોએ બતાવેલ રસ્તે જ્ઞાન-પ્રકાશ મળે છે. કયા જન્મનું ફળ છે તે ખબર નથી. પરંતુ “ઇશ્વર” ની મહાન કૃપા મારા ઉપર ઉતરી હોય તેવો અનુભવ થાય છે તમો પોતે જ ઇશ્વરીય રૂપ છે તેવું સમજાય છે. દેવા, તમોને આ બાળકના કરોડો કરોડો પ્રણામ. (૭૫)
 • અધ્યાય ૯ મો સંપૂર્ણ