સ્વામી અધ્યાત્મનાદજી

  • શ્રી દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ,
    શ્રી શિવાનંદ આશ્રમ જોધપુર ટેકરો,
    શીવાનંદ માર્ગ, અમદાવાદ-૧૫.
  • આત્મકથન
  • માનવમાત્ર પ્રાર્દુભાવથી આરંભીને સદૈવ ઉત્કર્ષ અને અભ્યુદયને જ ઇચ્છતો આવ્યો છે. પાષાણયુગમાં માનવને અગ્નિ, સૂર્ય, મેઘ, મરૂતનો ભય હતો, તેથી શાંતિ અને સમૃદ્ધિ માટે યજ્ઞ-યાજ્ઞ આરંભાયા. કર્મકાંડોનો પ્રાર્દુભાવ થયો. શુષ્ક કર્મમાં હૃદયની ભાવનાઓ સૂર સામગાનથી પૂરાતાં તે આત્મસંગીત સહિતના રૂપે ઓળખાયું. માનવ મન અતીતના ઊંડાણોને પામવા મથતું હતું. તેમાંથી તેણે એકાંતનો આશ્રય લઇ અરણ્યમાં પ્રાકૃતશક્તિને ઓવારે તેની પોતાની અંદર આત્મસ્થ થઇ આત્મચેતનાને ઉજાગર કરી તે સત્વ આરણ્યના નામે પ્રસિદ્ધ થયું. અને જે જ્ઞાન તેને આત્મઅનુસંધાનમાં મળ્યું, તે કારણે તેના મુખમંડળ ઉપર પ્રભવેલ આલોકની આભાને કારણે અનેકાનેક મુમુક્ષુઓ તેના શરણે આવ્યા અને તેની નિકટ બેસીને ઉપ-નિષદ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તે આત્મચિંતનનું આત્મ અનુભૂતિનું જ્ઞાન વૈદિક વાગ્મય કહેવાયું.
  • જ્યારે જ્યારે સાધક આત્મ નિરીક્ષણ કરે, આત્મ પરીક્ષણ કરે ત્યારે ત્યારે તેના અંતરના ઊંડાણમાંથી જે સાત્વિક વિચારોનો ઉદય થતો હોય છે, તે પ્રભુકૃપા જ હોય છે.
  • આવી જ પરમાત્મા કૃપા વર્ષાના ભાગ્યવાન સાધક શ્રી બ્રહ્મનારાયણ છે. મનોમંથન પછી સત્યના સાત્વિક અનુસંધાનમાંથી તેમને જે જ્ઞાનામૃતનુંપાન મા યોગામ્બા, શ્રી શ્રી ઠાકુર રામકૃષ્ણ પરમહંસદેવ અને શ્રી શ્રી મા શારદામણિદેવીની મહત્ કૃપાના વરદાનરૂપે પ્રાપ્ત થયું. તે જ્ઞાન આલોકનું એક કિરણ આ ઇશ્વરીય સંદેશ – સંક્ષીપ્ત ગીતા છે.
  • યુગ પરિવર્તનની સાથે દિન પ્રતિદિન વિશ્વમાં વધતા જતા કોલાહલ, ઘોંઘાટ અને કર્કશતા તથા માનસિક અકળામણ તથા ઉદ્દવેગ વચ્ચે આત્મસ્થ થવાની એક કડી આપણને શ્રી બ્રહ્મનારાયણે આપી છે. આ ગીતાનો પાઠ કરવાનું આ લેખનના અંતે સૂચવવામાં આવ્યું છે. આ પાઠ એટલે યંત્રવત્ત વાંચન નથી. દરેક અધ્યાયના અર્થનું મનન, ચિંતન અને તેને સ્વકીય જીવનનાં આચરણમાં અક્ષરશઃ પાલન પણ આવશ્યક છે.
  • મહર્ષિ પતંજલિની યમ નિયમ કે બુદ્ધના પંચશીલ અથવા તો ઇસુખ્રિસ્તના ટેન કમાડમેન્ટસને માત્ર ગ્રંથસ્થ કરીને પૂજા કરીએ તો તેમાંથી જીવનનો કંઇ પણ સાર સરવાનો નથી. જીવનની અર્થગર્ભિતતા અને જીવનની સાર્થકતા સાધનાની પ્રમાણિકતામાં જ સમાહિત થાય છે.
  • શ્રી બ્રહ્મનારાયણે આત્મચિંતન અને આત્મઅનુસંધાન કર્યું તેમાંથી શ્રી રામકૃષ્ણ કૃપા વડે જે અમૃત તેમને પ્રાપ્ત થયું તે અત્રે આ મીલેનીયમનો માનવધર્મનો 2000 નિમિત્તે ઇશ્વરીય સંદેશ એક અમૃતકુંભ સમાન છે. તેને ઘૂંટડે ઘૂંટડે પીઓ અને જીવન સાર્થક કરો એ જ અભ્યર્થના.
દેવશયની:
ઓમ શાંતિ સાદર

એકાદશી
વિનયાવનત

૧૨-૭-૨૦૦૦
શ્રીગુરુચરણાશ્રિત-

સેવક સ્વામી અધ્યાત્મનંદ